શબ્દ પુષ્પો વડે માતા-પિતાના ચરણોનું

પ્રક્ષાલન

સ્વ. શ્રી છોટાલાલ ગૌરીશંકર જાની

જેઓશ્રીની દીર્ઘદ્રષ્ટિએ અમને ધર્મ નું સાચું દર્શન કરાવ્યુ. તેઓશ્રીની પ્રેરણાએ પ્રગતિનો પંથ બતાવ્યો.
આપણા હદયમાં જ નહીં પણ નસે-નસમાં લોકસેવા અને કુટુંબપ્રેમની ભાવના સતત વહ્યા કરતી હતી. આપની અંદર રહેલી નીડરતા, નમ્રતા અને ઉદામતા જેવા ગુણો અમારે માટે સદા આદર્શરૂપ બની રહેશે.

એવા અમારા પૂજ્ય પિતાશ્રી ના સુકૃત્યો અને પ્રેરણાની અમે અનુમોદના કરીએ છીએ. જેણે અમોને વાત્સલ્યસભર ધર્મના સંસ્કારોનો વરસો આપ્યો છે. હે પૂજ્ય પિતાશ્રી આપે આપેલ ધર્મના સંસ્કારોનો વરસો અમે છેલ્લા શ્વાસ સુધી સાચવીએ એવા આશિષ વરસાવો.
આજે આપની પાસે અમે આશિષ માંગીએ છીએ કે અમે પણ આપની જેમ ક્રિયામાં રક્ત બની સાધુ ભગવંતોની સેવા કરી અને સંસ્થાઓના કાર્ય કરીને ધન્ય બનીએ.

સ્વ. શ્રીમતિ ઈચ્છાગૌરી છોટાલાલ જાની

જેમા તારા આપેલા સંસ્કારો ધર્મના માર્ગે લઇ જઇ આજે આ મહોત્સવમાં આપને યાદ કરીએ છીએ. સતત અમને આશિષ આપજે. અમે આ માર્ગેથી પાછા ન પડીએ, અમારી ગાડી ધર્મ ના માર્ગે સતત આગળ વધે એ જ આશા રાખતો આપનો પરિવાર.

વાત્સલ્યધામ


વાત્સલ્યધામની શરૂઆત

હું રાજેન છોટાલાલ જાની મુંબઈનો રહેવાસી છું. સમૃધ્ધ અને સંપન્ન પરિવારમાં જન્મ થયેલ અને ઉછેર, અભ્યાસ પણ મુંબઈ ખાતે જ થયેલ. અભ્યાસ બાદ બાપ-દાદાઓના વેપારમાં જ જોડાયેલ અને ભગવાનના આશિર્વાદથી જ તેમાં પણ ઉતરોતર પ્રગતિ થઇ રહેલ છે.

માતા પિતાના સંસ્કાર, ઘડતર અને આશિર્વાદથી તેમજ તેમની જીવન સંધ્યાના દિવસોમાં તેમના તરફથી મળેલ પ્રેરણાના ફળ રૂપે સમાજમાં રહેલ નિઃસંતાન, નિરાધાર અને નિઃસહાય વડીલોને જીવનના સંધ્યાકાળે વાત્સલ્યસભર અને કૌટુંબીક વાતાવરણ મળી રહે તેવું કોઈ કાર્ય કરવાનો મેં સંકલ્પ કર્યો, અને આ સંકલ્પના ભાગરૂપે મેં મારા મુંબઈ ખાતેના વેપારમાંથી નિવૃત્તિ લઇ આવો ઉંદહેતુ ચરિતાર્થ કરવા પોતાની દ્રષ્ટિ, પરિશ્રમ, સદ્ભાવ અને પ્રેમતીર્થ સમુ માતૃશ્રી ઈચ્છાગૌરી છોટાલાલ જાની "વાત્સલ્યધામ" જામનગર ખાતે બનાવેલ અને આજે આ વિચારે મુર્તિમંત સ્વરૂપે વાસ્તવિક સ્વરૂપ ધારણ કર્યું છે.

વાત્સલ્યધામની જરૂર

માનવજીવન પરમકૃપાળુ પરમાત્માની એક ભેટ છે. કયા કુટુંબમાં ને ક્યાં ઘરમાં જન્મ લેવો તે મનુષ્યના હાથમાં નથી. જન્મ પછીનું જીવન પણ દરેક મનુષ્ય માટે એકસરખુ નથી. દરેક મનુષ્યના સંજોગો પણ એકસરખા નથી. સારા કે સંઘર્ષવાળા સંજોગોનો સામનો મનુષ્ય જીવનમાં અમુક વર્ષો સુધી તો એક યા બીજી રીતે કરતો રહે છે, પરંતુ ઉમર વધતા કામ કરવાની શક્તિ ઘટે છે, એક યા બીજી માંદગી આવે છે, સતત કોઈનો પ્રેમ, હૂંફ અને સંભાળ મળી રહે તેવી શારીરિક અને માનસિક સ્થિતિ નિર્માણ થાય છે. હિન્દુ શાસ્ત્રો, સંસ્કાર અને સંસ્કૃતિ પ્રમાણે હજુ પણ આપણા સમજમાં વડીલોને કુટુંબના અન્યો સભ્યો તરફથી આ બધું મળતું રહે છે.પરંતુ છેલ્લા અમુક વર્ષોથી પરિવાર ખૂબ નાનો બનતો ગયો છે.સાથે સાથે હિન્દુ શાસ્ત્રો-ધર્મ-કર્મ થી વિમુખ થવું, પાશ્ચાત્ય સંસ્કૃતિની અસર, સંસ્કારીતા અને સંતોષના અભાવમાં વધુને વધુ ભૌતિક સુખ મેળવવાની દોડ, વડીલો પ્રત્યેના આદર ભાવમાં થતો ઘટાડો, મહદઅંશે દેખાતો સંવેદનશીલતાનો અભાવ વિગેરે અનેક કારણોથી સમાજમાં વડીલોની સ્થિતિ ઉત્તરોતર અસહ્ય બની છે. સાંઇઠ વર્ષની વયે સેવા નિવૃત થયેલ કે ઘરની કે ધંધાકીય જવાબદારીમાંથી મુક્ત થયેલ વડીલો તેમના નિવૃત જીવનમાં ખુબ એકાંત અને એકલતા અનુભવતા હોઈ છે. પુત્રોને, પૌત્રોને કે કુટુંબિજનો પોતાના કાર્યમાં એટલી હદે પ્રવૃત હોઈ છે કે કોઈને પણ વડીલો પાસે બેસવાનો સમય નથી હોતો, પોતાની યુવાવસ્થમાં હિંમત અને ખુમારીથી રહેલ વ્યક્તિની પાસે બેસનાર કે ખબર અંતર પુછનાર કોઈ ના હોય ત્યારે એકલતા એના જીવનને કોરી ખાય છે. કુટુંબની વચ્ચે રહેતા વડીલો પણ ઘણીવાર ઉપેક્ષા, અનાદર, માનભંગ, એકલતા, સંસ્કારવિહોણા વાતાવરણ, અપમાનનો ભોગ બનતા રહે છે. ઘરમાં સુખ હોવા છતાં વડીલોની હાજરી અણગમતી હોવાનું વડીલો સતત પાને અનુભવતા હોય છે.

ઉપરોક્ત સ્થિતિમાં નિઃસંતાન, નિરાધાર, અને નિઃસહાય છે તેમનું કોણ? પંચાવન-સાંઇઠ વર્ષ પછી પોતાનું ભારણ પોષણ કરવાની ક્ષમતા ન હોય, શરીર એક યા બીજા રોગથી પીડાતું હોય, કોઈ કાળજી કરનાર ન હોય, પ્રેમ અને હૂંફની સૌથી વધુ જરૂર જે સમયે છે ત્યારે કોઈ પ્રેમથી માથે હાથ ફેરવનાર કે હાથ પકડનાર ન હોય તેવી સ્થિતિમાં પણ આજે સમાજમાં ઘણા વડીલો અસહ્ય માનસિક અને શારીરિક પીડા સાથે જીવતા હોય છે. પડોશી ભૂખ્યો હોય ત્યારે પોતાનો રોટલામાંથી અડધો રોટલો આપવાની સંવેદનશીલતા અને સંસ્કાર સમજમાંથી મહદઅંશે વિલુપ્ત થયા છે.

વાત્સલ્યધામ વિષે

આ "વાત્સલ્યધામ" માં કુલ 35 રૂમ છે, દરેક રૂમ આધુનિક સુવિધાઓ સાથે સુસજ્જ છે. આ પાંચ માળના બિલ્ડીંગમાં લીફ્ટ તથા જનરેટરની સુવિધા, દરેક માળમાં સામુહિક ટી.વી. જોવાની વ્યવસ્થા (લીવીંગરૂમ), સામુહિક સાધના માટે કે અન્ય સામુહિક પ્રવૃત્તિ માટે સત્સંગ હોલ, સુઘડ સુવ્યવસ્થીત કિચન અને સ્ટોર સાથે અદ્યતન મોટો સાઈનીંગ હોલ વિગેરે વ્યવસ્થા છે. અલગ અલગ રોગો માટેના નિષ્ણાંત તબીબો આવે તેવી વ્યવસ્થા પણ થવાની છે.

વાત્સલ્યધામનો ધ્યેય

વસુધૈવઃ કુટુંબકમ ની ભાવનાનો આદર્શ જે સમાજની સંસ્કૃતિ છે તે સમાજમાં આવા કપરા સમયમાં પણ પરમકૃપાળુ પરમાત્માના આશિર્વાદ, માતા-પિતાના ગર્ભસંસ્કાર અને સમાજ પ્રત્યેની કર્તવ્ય ભાવનાથી સરકારની કોઈપણ વ્યક્તિની મદદ વિના નિઃસંતાન, નિરાધાર, અને નિઃસહાય વડીલોને નિઃશુલ્ક રીતે જીવનના સંધ્યાકાળે વાત્સલ્ય સભર અને કૌટુંબિક વાતાવરણ મળી રહે તેવું કાર્ય કરવાનો ભેખ મુંબઈના રહેવાસી એવા શ્રી રાજેન છોટાલાલ જાનીએ લીધો. તેઓશ્રીએ પ્રેમ, કર્તવ્ય, પુરુષાર્થ માટેનો સ્વભાવ કેળવી એકવીસમી સદીનો ધર્મ એટલે નિઃસંતાન, નિરાધાર, અને નિઃસહાય વડીલોના મુખ પર સંતોષ અને ખુશી દેખાય તે માટે સંસ્કૃતિના સંરક્ષણ બની સામાજીક ઋણ ચુકવવા અન્ય કોઈના આર્થિક સહયોગ વિના પોતાનાથી સંભવ એટલું અમુલ્ય યોગદાન આપ્યું છે. એમનું આ ઉમદા કાર્ય સમાજના પ્રહરીઓ માટે પથદર્શક અને પ્રવૃતિનું શક્તિ કેન્દ્ર બની રહેશે.

મંદિર વિષે

તદ્દઉપરાંત પ્રાંગણમાં રાજસ્થાનના બંસીપાલ પથ્થરથી નિર્માણ થયેલ દેવાધિદેવ હરેશ્વર મહાદેવના ભવ્ય શિવાલયનું નિર્માણ કર્યુ છે, તેમજ નિષ્ણાંતોના માર્ગદર્શન દ્વારા સુંદર બગીચાનું પણ નિર્માણ કર્યું છે.

મુખ્ય સહયોગ

અતિ મુશ્કેલ એવા આ કાર્યમાં કુદરતી સંકેત સ્વરૂપે શ્રી પરેશભાઈ અનન્તરાય જાનીનો આકસ્મીક મેળાપ થયેલ અને તેમના નિરંતર સહયોગ વિના આ ભગીરથ કાર્ય પુરૂં થવું મુશ્કેલ બન્યું હોત. તેમના આ સહયોગ બદલ હું તેમનો અંતઃકરણ પૂર્વક ઋણી રહીશ.

તમારી સહાય અમને વધુ લોકોને સેવા આપવાનો મોકો આપશે.

મા-બાપ જેવી કોઈં કાય નથી, મા-બાપ જેવી કોઈં પાય નથી, મા-બાપ જેવી કોઈં છાય નથી, મા-બાપ જેવો કોઈં અધ્યાય નથી, મા-બાપ જેવું બીજું કોઈં ક્યાંય નથી, મા-બાપનો કોઈં પર્યાય નથી,

પિતાજીનો ખભો વ્હાલો,

માતાજીની ગોદ,

જીવનમાં તો બંને લાવે,

આનંદને પ્રમોદ.

અણધાર્યા આવી પડે,

જયારે દુઃખના ઘા,

ત્યારે નાભીથી વેણ ઉપડે,

ને મોઢે આવે મા.

સૂર્ય ચંદ્ર છે માતા-પિતા,

હોઠ રહે છે ગાતા,

પહાડ જેવા પિતાજી ને,

ઝરણા જેવી માતા.

ભૂલો ભલે બીજુ બધું,

મા-બાપને,

ભૂલશો નહિં.

તમારી સહાય અમને વધુ લોકોને સેવા આપવાનો મોકો આપશે.